Skip to main content

મનુષ્ય જન્મ રહસ્ય

શાસ્ત્રો અને સંતો કહે છે કે - મૃત્યુ બાદ યમદૂતો જીવને તેના ગુરુ પાસે લઈ જાય છે અને ગુરુદેવના સંકેત મુજબ જીવની ગતિ થાય છે, તેથી મનુષ્યાવતારમાં સદગુરુને પ્રસન્ન કરો. વાસ્તવમાં મરણ તો સિધ્ધ-સંતનું જ થાય છે. સામાન્યતઃ અન્ય સૌનું ટ્રાન્સફર જ થાય છે. જીવ એક યોનિમાંથી બીજી યોનિમાં ફર્યા જ કરે છે. સિધ્ધ-સંત જીવન મુક્ત હોય છે. તેમની એક એક ક્ષણ અને એક એક કણ જગતના કલ્યાણ માટે હોય છે તેથી તે મહાપુરુષની "જન્મ જયંતિ" લોકો ઉજવે છે.

સામાન્ય માણસનો જન્મ દિવસ એટલે વ્યક્તિ ઉંમરમાં મોટી થતી જાય છે અર્થાત્ જીવનના દિવસો ઓછા થતા જાય છે, બાકીના દિવસો અને વર્ષોમાં સદગુરુચરણમાં પ્રીતિ રહે, પરહિતની ભાવનાનો વિકાસ થાય, વિવિધ પ્રકારની રચનાત્મક પ્રવૃત્તિ વધે. યથાસંભવ ધર્મસ્થાન, તપસ્થાનની તન-મન-ધનથી સેવામાં મન પરોવાય અને આસક્તિરહિત, જ્ઞાન સભર અવસ્થામાં અહંરહિત નિમિત્તમાત્ર બનીને વિનમ્રભાવે દૃઢ શરણાગતિથી પરમાર્થ સિધ્ધ કરી લેવામાં વ્યતીત થાય અને શ્રી સદગુરુની પ્રસન્નતા શેમાં છે ? એ જાણી-વિચારી યોગ્ય રીતે જીવનને જીવી બતાવવાની દૃષ્ટિ વધુ તીવ્ર બને તે ખૂબ જ અગત્યનું છે.

મનુષ્ય અવતાર કેટલો દુર્લભ છે તેની એક પ્રચલિત કથા -

એક સૂરદાસ મોટા કિલ્લામાં ફર્યા કરે અને “મને બહાર કાઢો, બહાર કાઢો’’ તેવી બૂમો પાડ્યા કરે. સંતો કરુણાના સાગર નહીં પણ મહાસાગર હોય છે. પેલાની વેદના સાંભળી નજીક આવ્યા અને જણાવ્યું કે, “આ વિશાળ કિલ્લામાં એક ભવ્ય દરવાજો છે. મેં તે દરવાજો જોયો પણ છે અને તેમાંથી બહાર નીકળી ગયેલો પણ તારું દુઃખ જોઈ થોડો સમય હું વધારે રોકાયો છું. મારે હજી લોકહિતનાં ઘણા કાર્ય કરવાનાં છે. હું તને રસ્તો બતાવું છું. તારે ચાલવું પડશે. રસ્તો સાચો છે તે મારી વાત પર વિશ્વાસ રાખજે. તું સૂરદાસ છે તેથી બહારની દૃષ્ટિ નથી પણ દરવાજામાંથી બહાર નીકળી જઈશ તો અવશ્ય તારી અંતર્દષ્ટિ ખુલી જશે. હું અંતર્ચક્ષુથી સદા દિવ્ય દર્શન કરું છું. સાંભળ, મેં કિલ્લાની ભીતે તારો હાથ અડાડ્યો તે મારી ફરજ છે, હવે ભીંતનો સ્પર્શ કરતો-કરતો આગળ વધ. થોડા સમયમાં દરવાજો આવી જશે. તું તેમાંથી બહાર નીકળી જજે.”

ગુરુદેવની આજ્ઞા મુજબ સુરદાસ મનોમન આનંદ અનુભવતો આગળ વધી રહ્યો છે અને ગુરુદેવ પ્રત્યે અહોભાવ વ્યકત કરે છે. દરવાજો આવ્યો ત્યાં તેને પીઠમાં જોરદાર ખંજવાળ આવી અને જે હાથ કિલ્લાની ભીંતને અડેલો તેનાથી પીઠ ખંજવાળી...અફ્સોસ ! દરવાજો પસાર થઈ ગયો. સૂરદાસને તો ખબર ન પડી. હજી કેમ દરવાજો ન આવ્યો ? તે વિચારોના વંટોળમાં ભીંતને સ્પર્શતો આગળ વધતો જાય છે, સાથોસાથ ગુરુદેવ પ્રત્યે શંકા-કુશંકા પણ વધતી જાય છે. પગની ગતિ મંદ થઈ રહી છે છતાં આગળ વધે છે. ફરી પાછો દરવાજો આવ્યો ત્યારે બગલમાં ખંજવાળ આવી. દરવાજો પસાર થઈ ગયો. વારંવાર લાં...બી કઠીનાઈ ભરેલી મુસાફરીના અંતે દરવાજો આવે સાથોસાથ શરીરના વિવિધ અંગોમાં ખંજવાળ આવે. સૂરદાસ થાકી ગયો. દરવાજો પણ રાહ જોઈને સૂરદાસથી વધારે થાકી ગયો !!! ઘણા સમયે કોઈ મહાપુરુષ તે દરવાજામાંથી પસાર થાય..

અહીં સૂરદાસ એ સંસાર ચક્રમાં અટવાતો જીવ છે. મનુષ્ય અવતાર રૂપી અમૂલ્ય તક મળે ત્યારે તે માયાવી જીવને પૈસા-પરિવાર-પુત્ર-પ્રતિષ્ઠાની ખંજવાળ આવે અને મુક્તિરૂપી દરવાજો પસાર થઈ જાય છે. જે ન ચેત્યા તેને માટે ફરી ફરજીયાત તે ઘટમાળ...

જીવ પરમાત્માની ઉપાસના કરે ત્યારથી જ જન્મ થયો. સમર્થ ગુરુ મળ્યા તે પણ જન્મ દિવસ કારણ કે તેના જન્મના ગ્રહ ત્યારથી બદલાય છે. ગુરુકૃપા મળી તે તો સોનામાં સુગંધ અને ગુરુકૃપાના ફ્ળ સ્વરૂપે આત્મ સાક્ષાત્કાર થાય છે તેનો જન્મ સાર્થક ગણાય.

~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

“આંબો કે વડલો પોતે તો તૃપ્ત હોય છે સાથો સાથ તેની છાયા નીચે રહેનાર પણ તૃપ્તિ અનુભવતા હોય છે...”
“આજે મને (કુલ) હાર શા માટે પહેરાવો છો. જીત પહેરાવોને ???”

(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ, -પાપમોચિની એકાદશી પ્રસંગે)

MahaMantra Dattatrey Punitachariji Maiyashree ShailajaDevi Dharma Sampraday Spontaneous Meditation